સાર્થક જલસો-7 : વૈવિધ્યની સાર્થક પરંપરા

Share
  • Ships within 7 days
70
Description

નવા લે-આઉટ અને સમદ્ધ વાચનસામગ્રી સાથે સાર્થક જલસોનો આ સળંગ સાતમો અંક છે. તેમાં ઉપરવાળા પર પ્રેમના અધિકારથી ભક્તે મુકેલું આરોપનામું 'તુમ એક ગોરખધંધા હો' છે. કવિ નાઝ ખિયાલવીએ લખેલી અને નુસરત ફતેહઅલી ખાને ગાયેલી આ કવ્વાલી તર્ક અને શ્રદ્ધાનો જોરદાર મુકાબલો છે, જેને દીપક સોલિયાએ તેમના આગવા અંદાજમાં ઉઘાડી આપ્યો છે. તો બીરેન કોઠારીએ મુંબઇ નજીક આવેલા ગણેશપુરી આશ્રમમાં જોયેલી-અનુભવેલી અધ્યાત્મના અંધારની આલમનું રોમાંચકારી આલેખન કર્યું છે. ગુજરાતીમાં ભાગ્યે જ વાંચવા મળે એવી એક સ્મૃતિકથા રાજીવ શાહની છે. રશિયાના અંધાધૂંધીભર્યા સમયમાં રાજીવ શાહ સાત વર્ષ સુધી પત્રકાર તરીકે મોસ્કોમાં રહ્યા હતા. એ સમયનાં તેમનાં સંભારણનાં અને 'મારું દાઘેસ્તાન'ના લેખક રઝુલ હમઝાતોવ (કે ગમઝાતોવ) સાથેની તેમની મુલાકાત જુદી જ દુનિયામાં લઇ જાય એવાં છે.

પ્રતિષ્ઠિત સાહિત્યકાર અને ફિલ્મસંગીતના મર્મજ્ઞ રજનીકુમાર પંડ્યા અસલમાં ગાયક બનવા ઇચ્છતા હતા, પણ તેમની એ ઇચ્છા કદી પૂરી ન થઇ. એ રસ્તે તેમણે માંડેલાં કેટલાંક ડગલાં અને નિષ્ફળતાની કથા કોઇ ઉત્તમ વાર્તાથી કમ નથી. ગુજરાતના જાહેર જીવનના પ્રવાહોના સાક્ષી અને પાત્ર એવા ચંદુ મહેરિયાએ તેમનાં જાહેર સભાઓ વિશેનાં ત્રણેક દાયકાનાં સ્મરણો રજૂ કર્યાં છે. જાહેર જીવનની વાત આ એન્ગલથી ભાગ્યે જ આવતી હોય છે. એવી જ રીતે, હિંદુ-મુસ્લિમ કોમી સંઘર્ષ વિશેની વાતો એક યા બીજા અંતિમેથી થતી હોય છે, ત્યારે જલસોના આ અંકમાં ઇતિહાસકાર બિપન ચંદ્રનાં લખાણોના આધારે હિંદુ-મુસ્લિમ કોમી વિખવાદની વાત અનેક પાસાંથી મૂકવામાં આવી છે. તેમાં હિંદુ-મુસ્લિમ ભાઇ ભાઇનો આદર્શવાદી ઉત્સાહ પણ નથી ને હિંદુ-મુસ્લિમ દુશ્મન-દુશ્મનનું કટ્ટર ઝનૂન પણ નથી. જે છે તે ઐતિહાસિક હકીકતો છે અને તેના આધારે આપણા માટે વિચાર કરવાનું ભાથું છે.

આરતી નાયરે લેટેસ્ટ ટેકનોલોજીની પેદાશ જેવાં ડેટિંગનાં એપ્સની વાત કરીને, એ ચર્ચાને ભારતીય લગ્નજીવન સાથે જોડી આપી છે, તો ઋતુલ જોષીએ ન્યૂયોર્કની તેમની મુલાકાતના આધારે પ્રવાસી તરીકેનાં નહીં, પણ એક જાગ્રત નાગરિક અને પ્લાનર તરીકેનાં તેમનાં અવલોકન રજૂ કર્યાં છે. જાણીતા ફિલ્મ ઇતિહાસકાર હરીશ રઘુવંશીએ તૈયાર કરેલી હિંદી ફિલ્મ ઉદ્યોગનાં વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતીઓના પ્રદાનની વિગતવાર યાદી સંભવતઃ પહેલી વાર અહીં પ્રકાશિત થઇ છે. આ ઉપરાંત શારીક લાલીવાલા, પ્રીતિ છત્રે, દ્વિજા બક્ષી-દોશી, ભાવિન પટેલ, બિનીત મોદી, કથક મહેતા, ચેતન પગી જેવા લેખકોનાં લખાણથી વાચનનો આ જલસો સાર્થક બને છે.