સાર્થક જલસો-9

Share
  • Ships within 7 days
70
Description

સાર્થક જલસો-9ઃ વૈવિધ્ય, નક્કરતા અને રસાળતાની રાબેતા મુજબની જુગલબંદી

અત્યાર સુધીના 'સાર્થક જલસો'ના અંકોમાં ખાસિયત બની રહેલું વિષયોનું વૈવિધ્ય આ અંકમાં કદાચ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. અહીં કટોકટી વખતે જેલમાં ગયેલા અને પેરોલ મેળવીને લગ્ન કરનાર હસમુખ પટેલ તેમના જેલવાસનાં સંભારણાં તાજાં કરે છે. આ પ્રકારની યાદો સામાન્ય રીતે કાળો રંગ ધરાવતી હોય છે, પણ હસમુખભાઈએ જેલવાસનું જે ચિત્ર આપ્યું છે, તે પેટ પકડીને હસાવે એવું ને છતાં તમામ રાજકીય પક્ષો-સંગઠનોની ખાસિયતોને આબેહૂબ ઝીલનારું બન્યું છે. એ દૃષ્ટિએ કટોકટી વિશેના તમામ લેખોમાં કદાચ આ સૌથી અનોખો હશે. એવા જ અનોખા, પણ ગંભીર અંદાજમાં દીપક સોલિયાએ સૈનિકપ્રેમ, દેશપ્રેમ અને યુદ્ધપ્રેમ વિશેની કેટલીક ગેરમાન્યતાઓમાં ટાંકણી ખોસીને, નવેસરથી વિચારવું પડે એવા સવાલ ઉભા કર્યા છે.

ચંદુ મહેરિયાએ તેમના બે વર્ષના ધોરાજીનિવાસના આધારે ધોરાજીનું અનોખું શબ્દચિત્ર રજૂ કર્યું છે. સીટી પ્રોફાઈલ કેવી રીતે થાય, અથવા સીટી પ્રોફાઇલ આવી રીતે પણ થઈ શકે, તેનો આ ઉત્તમ નમૂનો છે. તેમાં શહેરનાં ઇતિહાસ-ભૂગોળથી માંડીને સમાજની વાસ્તવિકતાઓ પણ બરાબર ઉપસી આવી છે. ભોપાલમાં પાંચ મહિના વીતાવનાર ચેતન પગીએ હળવા લસરકાથી ભોપાલનું આબાદ ચિત્ર ઉપસાવ્યું છે.

આરતી નાયરે ગુજરાતીમાં ભાગ્યે જ વાંચવા મળે એવો મુદ્દો અત્યંત સંવેદનશીલતાથી છેડ્યો છેઃ તમારું કોઈ નિકટનું સાથી-મિત્ર-સ્વજન સમલૈંગિક વલણ ધરાવતું હોય અને એ તમને આ વાત કહે, તો તમે કેવી પ્રતિક્રિયા આપશો? આ જ મુદ્દો ઝવેરચંદ મેઘાણીએ તેમની પહેલી નવલકથા 'નિરંજન'માં કેવી રીતે છેડ્યો હતો, તે પણ સંદર્ભ સાથે રજૂ કરવામાં આવ્યું છે, તો દીપક સોલિયાએ છેવટે આ વાતને આપણે 'ધ અધર' (પરાયાં) સાથે કેવો વ્યવહાર કરીએ છીએ, તેની સાથે જોડીને વ્યાપક છણાવટ કરી છે.

કાર્તિકેય ભટ્ટે શિક્ષણ વિશે પાયાના સવાલો ઉઠાવીને તેમાં સુધારાની પ્રક્રિયાની વાત કરી છે, નિવૃત્ત અધ્યાપક એવા પિયુષ પંડ્યાએ પરીક્ષામાં 'ચોરી'ના વિદ્યાર્થી અને અધ્યાપક તરીકેના અનુભવોના કેટલાક વિશિષ્ટ કિસ્સા આપ્યા છે, તો ઋતુલ જોશીએ આપણે આધુનિકતા (મોડર્નિટી) સાથે કેવી રીતે પનારો પાડી રહ્યા છે, તેની વિચિત્ર અને વિરોધાભાસી વાસ્તવિકતાઓ સામે મૂકી આપી છે.

ભારતભરમાં પ્રતિષ્ઠા ધરાવતી વડોદરાની વિખ્યાત ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસની અંદરની દુનિયા કેવી હતી, તેનો જાતઅનુભવ દોઢેક વર્ષ સુધી ત્યાં ભણી ચૂકેલા બીરેન કોઠારીએ પોતાનાં કેટલાંક ચિત્રો સાથે આપ્યો છે. હરીશ રઘુવંશીએ તેમના સંગ્રહમાંથી કેટલીક જાહેર થયેલી પણ ન બનેલી ફિલ્મોની જાહેરાતોની દુર્લભ તસવીરો આપી છે. ઉર્વીશ કોઠારીએ સદીઓ જૂના ઇન્ડિયન રોપ ટ્રિકના જાદુનું રહસ્ય ખુલ્લું કરતા એક અભ્યાસપૂર્ણ પુસ્તકનો પરિચય કરાવ્યો છે.

ધૈવત ત્રિવેદીએ બાળપણનાં સંભારણાંમાંથી એક વિશિષ્ટ યાદ વાર્તાત્મક અંદાજમાં તાજી કરી છે, મહેન્દ્રસિંહ પરમારે તેમની નિષ્ફળ ક્રિકેટ કારકિર્દીનાં ખડખડાટ હસાવતાં સ્મરણ આલેખ્યાં છે, તુમુલ બૂચે હિમાલયમાં વસેલા એક વિશિષ્ટ દંપતિના ખોવાયેલા અને જડી આવેલા કૂતરાની અનોખી દાસ્તાન વર્ણવી છે અને પુનિતા હર્ણેએ બે વિશિષ્ટ વાનગીઓની સાથે પોળના જીવનની સુગંધ શબ્દોમાં વહાવી છે. કાર્ટૂનિસ્ટ અશોક અદેપાલે તેમનાં વિશિષ્ટ કાર્ટૂન-સેલ્ફીમાંથી થોડી પ્રસાદી આપી છે.

આ ઉપરાંત રામચંદ્ર ગુહાના મહાગ્રંથ 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'ના પહેલા ભાગમાંથી લોકશાહી ભારતની પહેલી ચૂંટણી વિશેના પ્રકરણનો દિલીપ ગોહિલે કરેલો અનુવાદ પણ અંકમાં છે. 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'નો પહેલો ભાગ આ વર્ષના અંત સુધીમાં સાર્થક પ્રકાશન દ્વારા પ્રગટ થશે.

આટલી સમૃદ્ધિ અને આટલું વિષયવૈવિધ્ય વાચકોને બે પૂંઠા વચ્ચે મળે એ જ ખરો, સાર્થક, જલસો.

કિંમત રૂ.70 (શિપિંગ ફ્રી)