Saarthak Jalso 8

Share
  • Ships within 7 days
70
Description

સાર્થક જલસો-8 : વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ વાચન

'સાર્થક જલસો'ના તમામ અંકોની જેમ અંક-8 પણ આશ્ચર્યજનક અને વૈવિધ્યપૂર્ણ સામગ્રી ધરાવે છે. તેમાં સમાવિષ્ટ વિષયોનો વ્યાપ સંગીતકાર સી.રામચંદ્રથી ઇતિહાસકાર રામચંદ્ર ગુહા સુધીનો અને સ્ટાર્ટ-અપની વાસ્તવિકતાથી માંડીને નોટબંધીની નવલકથા વિશેનો છે.

જરા માંડીને વાત કરીએ.

અલબેલા, નવરંગ, અનારકલી જેવી અનેક હિટ ફિલ્મોના સંગીતકાર સી.રામચંદ્રનાં મરાઠી સંભારણાંમાંથી તેમની ફિલ્મી કારકિર્દીને લગતી કેટલીક અત્યંત રસપ્રદ વાતોનો અનુવાદ આ અંકમાં છે. તેમાં 'એ મેરે વતનકે લોગોં'ની સર્જનપ્રક્રિયા ને ભારત-પાકિસ્તાન વચ્ચેના નો મેન્સ લેન્ડમાં લતા મંગેશકર-નૂરજહાં વચ્ચે થયેલી મુલાકાત જેવી અનેક રોમાચંક સ્મૃતિઓ આલેખાઈ છે.

સ્કોપ-ફ્લેશ-સફારી જેવાં દંતકથા જેવાં સામયિકોના તંત્રી નગેન્દ્ર વિજયે સાડા ત્રણ દાયકા પહેલાં તેમના જીવનની એક માત્ર મૌલિક નવલકથા શરૂ કરી હતી. 'ફ્લેશ'નું પ્રકાશન અકાળે બંધ થતાં એ નવલકથા અધૂરી રહી. એ કથાના કેન્દ્રસ્થાને હતીઃ નોટબંધી. શું હતું એ નવલકથાનું વિષયવસ્તુ? એ વિશે નગેન્દ્ર વિજયની ઉર્વીશ કોઠારીએ લીધેલી મુલાકાત અને અધૂરી રહેલી એ નવલકથાના અંશ.

પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા હાસ્યકાર અને 'સાર્થક'ના સ્નેહી વડીલ તારક મહેતાને હૃદયાંજલિ તરીકે ચાર પાનાંમાં માત્ર તેમની દુર્લભ તસવીરો થકી તેમની જીવનયાત્રા ઍક્શન રીપ્લે સ્વરૂપે આપવામાં આવી છે.

ફિલ્મ કટારલેખક તરીકે ખ્યાતનામ સલિલ દલાલે સિત્તેરના દાયકામાં 'વન મેન શો' જેવું એક અખબાર કાઢ્યું હતું. આણંદથી પ્રગટ થતા એ અખબારનું નામ હતુંઃ આનંદ એક્સપ્રેસ. આ અખબારે એચ.બી.ઠક્કરને સલિલ દલાલ તરીકે કેવી રીતે ઘડ્યા, જીલ્લા કક્ષાનું એક અખબાર કેવું અને કેટલું કામ કરી શકે, એ સમયનું રાજકારણ કેવું હતું, કટોકટીના અનુભવ કેવા રહ્યા...આવી અનેક વાતોનો સચિત્ર ખજાનો સલિલ દલાલે ખોલ્યો છે.

ઓટોમેશન અેટલે કે સ્વયંસંચાલિત યંત્રોની બોલબાલમાં માણસની નોકરીઓનું શું થશે? અત્યારે ચોતરફ સ્ટાર્ટ-અપનો વાયરો વાયો છે, પણ તેની વાસ્તવિક સ્થિતિ શી છે? તે રોજગારીનો વિકલ્પ બની શકશે? અને શિક્ષણ-રોજગારી વચ્ચેનો સંબંધ કેમ તૂટી ગયો- તે કેવી રીતે સ્થાપી શકાય?--વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા એવી બેરોજગારીનાં ત્રણ સૌથી મહત્ત્વનાં પાસાં વિશે ગુજરાતીમાં પહેલી વાર અનુક્રમે દીપક સોલિયા, આરતી નાયર અને કાર્તિકેય ભટ્ટે આવા સઘન ્ને અંતરંગ વિગતો ધરાવતા લેખ આપ્યા છે

વર્તમાન સમયના સુપ્રસિદ્ધ અને સુપ્રતિષ્ઠિત ઇતિહાસકાર રામચંદ્ર ગુહાનું પુસ્તક 'ઇન્ડિયા આફ્ટર ગાંધી' આઝાદી પછીના ભારતનો સૌથી પ્રમાણભૂત અને અત્યંત રોચક વિગતો ધરાવતો ગ્રંથ છે. તેનો ગુજરાતી અનુવાદ સાર્થક પ્રકાશન દ્વારા ટૂંક સમયમાં બે ભાગમાં પ્રકાશિત થશે. એ ગ્રંથમાંથી કાશ્મીર સમસ્યા વિશેના પ્રકરણનો અનુવાદ પણ સાર્થક જલસોના આ અંકમાં છે.

આ અને આવી બીજી અનોખી વાચનસામગ્રીથી 'સાર્થક જલસો-8' સાર્થક વાચનની પરંપરાને આગળ વધારે છે.
(અંકના અન્ય લેખકોઃ ચંદુ મહેરિયા, હેમન્ત દવે, બીરેન કોઠારી, નરેશ મકવાણા, પિયુષ પંડ્યા)

છૂટક નકલ : ₹ 70 (Hard Copy) (Shipping Free)